કોંગ્રેસ આજે દેશભરમાં CBI કાર્યાલયોની બહાર ધરણા ધરશે, દિલ્હીમાં નેતૃત્વ રાહુલ ગાંધી સંભાળશે

રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને બહાલ કરવાની માગણી સાથે કોંગ્રેસ આજે દેશભરમાં સીબીઆઈ ઓફિસો બહાર ધરણા પ્રદર્શન કરશે.

કોંગ્રેસ આજે દેશભરમાં CBI કાર્યાલયોની બહાર ધરણા ધરશે, દિલ્હીમાં નેતૃત્વ રાહુલ ગાંધી સંભાળશે

નવી દિલ્હી: રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માને બહાલ કરવાની માગણી સાથે કોંગ્રેસ આજે દેશભરમાં સીબીઆઈ ઓફિસો બહાર ધરણા પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓ દેશની રાજધાની દિલ્હીમાં સીજીઓ પરિસરમાં સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પાર્ટીના પ્રદર્શનનું નેતૃત્વ કરશે. 

તેમણે કહ્યું કે 'શુક્રવારે દેશભરમાં સીબીઆઈના કાર્યાલયોની બહાર કોંગ્રેસ પાર્ટી સીબીઆઈના ચીફને હટાવીને રાફેલ કૌભાંડની તપાસને રોકવા માટેના વડાપ્રધાન મોદીના શરમજનક પ્રયત્નનો વિરોધ કરશે.' તેમણે ટ્વિટમાં લખ્યું કે હું સવારે 11 વાગ્યે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર પ્રદર્શનનું નેતૃત્વ કરીશ.

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી સીબીઆઈ ડાઈરેક્ટર વર્મા વિરુદ્ધના આદેશને તરત પાછા ખેંચવાની માગણી સાથે જ વડાપ્રધાન મોદી પાસે આ સમગ્ર પ્રકરણ પર દેશ સમક્ષ માફી માંગવાની માગણી કરશે. કોંગ્રેસ મહાસચિવ અશોક ગહેલોતે પણ તમામ કોંગ્રેસ મહાસચિવો, પ્રદેશ અધ્યક્ષો અને વિધાયક દળના નેતાઓને પત્ર લખીને કહ્યું છે કે દેશભરમાં સીબીઆઈ કાર્યાલયોની બહાર ભાજપ સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શનો કરવામાં આવે. 

સીબીઆઈ હેડક્વાર્ટરની બહાર ભેગા થશે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં સીબીઆઈ મુખ્યાલય બહાર પ્રદર્શનમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. જ્યારે રાજ્ય સ્તરના નેતાઓ પોતાના વિસ્તારોમાં ધરણાનું નેતૃત્વ કરશે. 

ગહેલોતે પોતાના પત્રમાં કહ્યું કે મોદી-શાહ દ્વારા સીબીઆઈ ડાઈરેક્ટરને ગેરકાયદેસર, ગેરબંધારણીય રીતે હટાવવાથી ભારત અને તેની પ્રમુખ તપાસ એજન્સી શર્મસાર થઈ છે. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન રાફેલ-ઓ-ફોબિયાના શિકાર છે  અને રાફેલ કૌભાંડના આ ડરથી સીબીઆઈને ધ્વસ્ત કરી દેવાઈ છે. કોંગ્રેસે બુધવારે સીબીઆઈના ડાઈરેક્ટરને રજા પર ઉતારી દેવાની ઘટનાને એજન્સીની સ્વતંત્રતાને ખતમ કરવાની છેલ્લી કવાયત ગણાવી હતી. 

સરકારે કહ્યું-સીબીઆઈમાં આ કાર્યવાહી જરૂરી હતી
આ બાજુ કેન્દ્ર સરકારે આ  કાર્યવાહીનો બચાવ કરતા તેને અનિવાર્ય ગણાવી હતી. સરકારે દલીલ આપી છે કે સીબીઆઈના સંસ્થાગત સ્વરૂપને જાળવી રાખવા માટે આ  કાર્યવાહી જરૂરી હતી. નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે સીબીઆઈના બે ટોચના અધિકારીઓને હટાવવાનો સરકારનો આ નિર્ણય કેન્દ્રીય સતર્કતા આયોગ (સીવીસી)ની ભલામણો પર આધારિત છે. 

કોંગ્રેસના ધરણા પ્રદર્શનના કારણે સીબીઆઈ કાર્યાલય બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત (તસવીર-એએનઆઈ)

રજા પર ઉતારી દેવાયા છે રાકેશ અસ્થાના અને આલોક વર્માને
ઉલ્લેખનીય છે કે વિવાદના કેન્દ્રમાં આવેલા આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાનાને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ મંગળવારે મોડી રાતે આદેશ જારી કરીને રજા પર ઉતારી દીધા છે. વડાપ્રધાનના નેતૃત્વવાળી નિયુક્તિ સમિતિએ મંગળવારે રાતે એક આદેશ જારી કરીને એજન્સીના ડાઈરેક્ટરનો ચાર્જ જોઈન્ટ ડાઈરેક્ટર એમ.નાગેશ્વર રાવને સોંપી દીધો. 

કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે સરકારે 'રાફેલ-ફોબિયા'થી ઊભી થયેલી સમસ્યા પર જવાબદારીમાંથી બચવા અને અગ્રણી તપાસ એજન્સી પર નિયંત્રણ મેળવવા માટે વર્માને હટાવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news